માનસિકતા બદલો
Full text
માનસિકતા બદલો
સમાજના આગળ પડતા નેતાઓ કે જેઓના ઉપર સમાજ વિશ્વાસ રાખે છે. તેઓ પોત પોતાની હુંસાતુંસીમાં વાક્ યુદ્ધથી સંઘર્ષ સુધી પહોંચી જાય છે.
એક દાખલો આપું—- વડોદરાની તદ્દન નજીકમાં આવેલ એક જુથને બીજા જુથ સાથે મંદિરમાં એક તક્તી બાબતે એટલી હદે ઝગડો થયો કે મામલો પોલીસ ચોકી સુધી પહોંચ્યો. નવાઇની વાત તો એ છે કે આ બન્ને જુથો અગાઉ એક જ જુથમાંથી છુટા પડી બે જુથમાં પરિણમ્યા હતા. એટલે કે એક જ ઘરનો ઝગડો હતો. પરંતું કહેવાતા આગેવાનોના અહમના કારણે સંઘર્ષ થયો હતો.
મંદિરનું કામ સાર્વજનિક હોય છે. તેમાં કોઇનું કાંઇ અંગત નથી હોતું. અંગત હોય છે તો ફક્ત “અ હ મ”. મંદિરના પ્રશ્ને ઝગડો કેટલે અંશે વ્યાજબી છે?
આવા તો ઘણા જ કિસ્સાઓ આપણે જોઇએ છીએ. સમાજની ઘણી બધી મીટીંગોમાં આવું થતું હોય છે. જેના કારણે મોટા ભાગના શાંત વ્યક્તિઓ મીટીંગોમાં આવતા બંધ થઇ જતા હોય છે. આથી જ સામાજિક પ્રવૃત્તિઓમા લોકો ઓછા રસ લેતા હોય છે. આવા બધા કારણોને લઇને જ અન્ય સમાજમાં આપણા સમાજની છાપ અવળી પડતી હોય છે.
આ મુદ્દાઓ ધ્યાનમાં રાખી સમાજનું અહિત ન થાય, સમાજની છાપ અન્ય સમાજમાં સારી પડે તેવા પ્રયત્નો કરવા જોઇએ. અને હુંસાતુંસીની માનસિકતામાંથી બહાર આવવું જોઇએ.
માનસિકતામાંથી બહાર આવવા માટે નીચેના પગલાં અનુસરો.
લઘુતાગ્રંથી છોડો : –
સમાજના ઘણા બધા લોકો લઘુતા ગ્રંથીથી પીડાય છે. શા કારણે? સમજાતું નથી. જો કે વર્ષોથી કચડાયેલા સમાજને માટે આ એક સ્વાભાવિક છે. પરંતું છેલ્લા કેટલાક વર્ષોથી પરિસ્થિતિઓ બદલાઇ ગઇ છે. સમાજના અન્ય વર્ગોમાં પણ ઘણો મોભો મળતો હોય છે. અન્ય વર્ગની નવી પેઢીને તો હવે જ્ઞાતિઓ પ્રત્યે સૂગ પણ રહી નથી. નગરો અને શહેરોમાં તો આખું ચિત્ર જ બદલાઇ ગયું છે. તો પછી શા માટે લઘુતા ગ્રંથીથી પીડાવું જોઇએ?
મારી દ્રષ્ટિએ તો સમાજના અન્ય વર્ગની વ્યક્તિઓ કરતાં તો સ્વજ્ઞાતિની વ્યક્તિઓનો જ સૂગ દ્રષ્ટિપાત થાય છે. અને વર્ગ ભિન્નતા દ્રષ્ટિગોચર થાય છે.
સૌ પ્રથમ તો સ્વજ્ઞાતિની વ્યક્તિઓએ ભ્રાતૃભાવ કેળવવો જોઇએ. જેનાથી એકતા આવશે. એકતાથી સંગઠન વધશે. સંગઠનથી સમાજની તાકાત વધશે, પ્રગતિ થશે. પ્રગતિથી અન્ય સમાજની હરોળમાં ઉભા રહી શકાશે. આના માટે જરૂર છે “લ ઘુ તા ગ્રં થી” દૂર કરવાની.
હકારાત્મક અભિગમ કેળવો. :-
અન્ય વર્ગની વ્યક્તિઓની હરોળમાં આપણે કાંઇ કમ નથી. આપણે પણ વ્યક્તિ છીએ. સમગ્ર વિશ્વ–સમાજનું એક અભિન્ન અંગ છીએ. તો અન્ય વર્ગની જેમ આપણે પણ સમાજમાં સ્વમાનભેર/ગૌરવભેર જીવી શકીએ છીએ. આવા હકારાત્મક અભિગમોને કારણે તો સમાજના ઘણા માણસો પંચાયત સભ્યો, નગરપાલિકાના સભ્યો, એમ.એલ.એ.,તથા એમ.પી. જેવા સામાજિક સ્થાનો ઉપર પહોંચીને ગૌરવ અપાવ્યું છે. તથા ઘણી વ્યક્તિઓ સરકારી/અર્ધસરકારી/ખાનગી સંસ્થાઓમાં ઉચ્ચ હોદ્દાઓ ઉપર સ્થાન શોભાવી રહ્યા છે. કેટલાકે તો ઔદ્યોગિક ક્ષેત્રે પણ નામનાઓ મેળવેલી છે. આમ હકારાત્મક અભિગમથી ઘણો જ વિકાસ થઇ શકે છે.
અન્ય આદર્શ વ્યક્તિઓ સાથે હળો મળો. : –
આગળ જણાવ્યું તેમ સામાજિક છોછ છોડી હકારત્મક અભિગમ કેળવી ઉચ્ચ કારકિર્દી પ્રાપ્ત કરેલ હોવાના ઘણા દાખલા સમાજમાં મોજુદ છે. જેથી માનસિકતા બદલો અને અન્ય આદર્શ હસ્તિઓ કે જેઓએ જીવનમાં ઉચ્ચ સોપાનો સર કર્યા છે. તેવી વ્યક્તિઓ સાથે ખૂબ જ હળો મળો. જેનાથી લઘુતાગ્રંથી દૂર થતી જશે. જ્ઞાન વધશે. જાગૃતિ આવશે. અને પોતે પણ અન્ય વર્ગની વ્યક્તિઓની સમકક્ષ છે તેવો એહસાસ થશે. તેનાથી આત્મવિશ્વાસ વધશે. અને પોતાની તથા ઘરની તથા કુટુંબની તથા સમાજની પ્રગતિ થશે.
પરંતું તેના માટે જીવન–ધોરણ, રહેણી કરણી બદલવી પડશે. રહેણી કરણી બદલવા માટે આર્થિક પાસું સદ્ધર કરવું પડશે. આર્થિક પાસું સદ્ધર કરવા માટે વધુ આવક થાય તેવો વ્યવસાય કરવો પડશે. અથવા ચાલુ વ્યવસાયમાં આધુનિકરણ કરવું પડશે.
વ્યસનો છોડો :-
મારા મતે અત્યાર સુધી આપણામાં વધુમાં વધુ લઘુતાગ્રંથી જો હોય તો તેનું મુખ્ય કારણ વ્યસનો છે. જો કે રાજા–મહારાજાઓના જમાનામાં “વેઠ” પ્રથા હતી. ત્યારે કામના બદલામાં દામની પ્રથા ન હતી. તેના બદલામાં થાક ઉતારવાના બહાને વ્યસનોની આદત પાડી વ્યસનોમાં ડૂબેલા રાખતા. જેથી તમે તેમાંથી બહાર આવો જ નહીં અને કોઇ અવાજ ઊઠાવો જ નહીં. તેવી માનસિકતા લાદી દેવામાં આવેલ. જે માન્યતાઓ ઘર કરી ગયેલ અને તે વંશ પરંપરાગત ચાલતી રહી. તે જમાનામાં જે જ્ઞાતિ વ્યસનથી પર હતી તેઓનો ખૂબ જ ઊંચો મોભો હતો. જો કે આજે પરિસ્થિતિ આખી “વિરુદ્ધ” થઇ ગઇ છે.જેઓ વ્યસન કરતા હતા તેઓ નિર્વ્યસની થઇને સુખી જીવન જીવે છે. જ્યારે જેઓ મોભાદાર વ્યક્તિઓ ગણાતા હતા તેઓ જાહેર અથવા ખાનગીમાં વ્યસનો કરતા હોય છે. અને પોતે તેમાં મોભાદાર હોવાનું માંને છે.
વ્યસની માણસોના કારણે આવક માટે કે ઘર ચલાવવા માટે, બાળકોના હીત માટે, બે ટંક રોટલા પૂરા કરવા માટે મજબૂરીથી સ્ત્રીઓને બહાર કામ કરવા જવું પડતું હોય છે. જેના કારણે સમાજની અન્ય વર્ગની વ્યક્તિઓમાં ખરાબ છાપ પડતી હોય છે. વ્યસની વ્યક્તિઓના મૃત્યુ બાદ વિધવાઓએ પણ આ જ રાહ અપનાવવો પડતો હોય છે.
આવી પરિસ્થિતિનું નિર્માણ ન થાય તે માટે વ્યસનોનો ત્યાગ એ જ એક ઉપાય છે.
આર્થિક સદ્ધરતા પ્રાપ્ત કરો : –
આર્થિક સદ્ધરતા એ માનસિકતા બદલવા માટેનું મુખ્ય પરિબળ છે. આર્થિક સદ્ધરતાથી રહેણી–કરણી બદલાઇ જાય છે. તેનાથી સામાજિક મોભો બદલાઇ જાય છે. જેના કારણે અન્ય વર્ગની સાથે વિના સંકોચે હળીમળી શકીએ છીએ. આર્થિક સદ્ધરતાના કારણે બાળકોને પણ તેઓની કાબેલિયત પ્રમાણે શિક્ષણ તથા ઇતર પ્રવૃત્તિઓ તરફ લક્ષ્ય આપી ભાવિ પેઢી સમૃદ્ધ બનાવી શકીએ છીએ.
આર્થિક સદ્ધરતા મેળવવા માટે સ્પર્ધાત્મક યુગમાં ઘણો જ શ્રમ કરવો પડતો હોય છે. પરંતું અશક્ય કે અસંભવ નથી જ. પરંતું સાહસવૃત્તિ અગત્યની છે. તથા તક ઓળખવી અગત્યની છે.
સામાન્યથી ઉચ્ચ અભ્યાસ વાળાઓ માટે : –
હાલ મોબાઇલ તથા કોમ્પુટર યુગમાં મોબાઇલ તથા કમ્પ્યુટર સર્વિસ–સાયબર કાફે, તથા તેને આનુસાંગિક તમામ પ્રવૃત્તિઓમાં તક શોધીને આગળ વધી શકાય તેમ છે.
સામાન્ય અભ્યાસ વાળાઓ માટે : –
તે જ પ્રમાણે 2-wheeler -4wheelers નો પણ યુગ છે. જેને આનુસંગિક પ્રવૃત્તિઓ જેવી કે સર્વીસ સેન્ટરો, મીકેનેક સેન્ટરો તથા સ્પેરપાર્ટ્સ નો વેપાર વિગેરે પણ આજના યુગમાં ઘણી જ ઉપયોગી પ્રવૃત્તિઓ છે.
તે ઉપરાંત પોતાના વ્યવસાયને આધુનિકરણ કરી આર્થિક સદ્ધરતા પ્રાપ્ત કરી શકાય છે.તથા બીજા પણ ઘણા વ્યવસાયો છે. જેનું સર્વે કરી તેના ઉપર પણ વિચાર કરી શકાય.
(મારુ અન્ય પુસ્તક “આત્મનિર્ભરતા થી આત્મસન્માન” માં તમામ ક્ષેત્રોમાં “સ્વરોજગારી”ની ઘણી બધી પ્રવૃત્તિઓ દર્શાવેલ છે. જેનો લાભ લઈને પોતાની કારકિર્દી બદલી શકાય છે. )
મહિલાઓને રચનાત્મક પ્રવૃત્તિઓ માટે પ્રોત્સાહિત કરો : –
સામાન્ય રીતે મહિલાઓ ઘરકામ સિવાય બીજું કાંઇ કરવા વિચારતી હોતી નથી. “સમય જ ક્યાં મળે છે ઘરકામમાથી?” જેવા ઉદગારો સાંભળવા મળે છે. પરંતું સમય મળવાની વસ્તુ નથી. સમય કાઢવાની વસ્તુ છે. સમય ફાળવવો પડે છે, કોઇપણ પ્રવૃત્તિ માટે.
ફાજલ સમય દરમ્યાન મહિલાઓ ઘણી બધી પ્રવૃત્તિઓ કરીને ઘરની આર્થિક સદ્ધરતામાં સારી એવી મદદ કરી શકે છે.
(મારુ અન્ય પુસ્તક “આત્મનિર્ભરતા થી આત્મસન્માન” માં તમામ ક્ષેત્રોમાં મહિલાઓ માટે “સ્વરોજગારી”ની ઘણી બધી પ્રવૃત્તિઓ દર્શાવેલ છે. જેનો લાભ લઈને પૂરક રોજી દ્વારા પોતાની કારકિર્દી બદલી શકાય છે. )
શિક્ષણને ખૂબ જ પ્રાધાન્ય આપો : –
“શિક્ષણ” વિશે તો જેટલું લખીએ તેટલું ઓછું છે. તમામ પ્રગતિનો આધાર શિક્ષણ ઉપર જ નિર્ભર છે. તેમ કહીએ તો અજુગતુ નથી. તેથી જીવનમાં ખૂબ જ પ્રગતિ કરવી હોય તો શિક્ષણને ખૂબ જ પ્રાધાન્ય આપવું જોઇએ.
મારી દ્રષ્ટિએ શિક્ષણ એટલે ધોરણ 1 થી 12 કે કોલેજ કે અન્ય ડીગ્રીઓ ઉપરાંત——
શિક્ષણ એટલે જે શીખીએ તે તમામ પ્રવૃત્તિઓ:– જેવી કે રમતગમત, હુન્નર, કલા, સંગીત, ચિત્રકામ, વિવિધ રમકડાં, મોડેલ, નૃત્ય વિગેરે ઘણા બધી પ્રવૃત્તિઓ –
જેમ ધોરણ 1 થી 12 તથા બેચલર તથા માસ્ટર્સ ડીગ્રી મેળવીએ છીએ તેમ આ તમામ ક્ષેત્રોમાં માસ્ટરી મેળવીએ એટલે તે ક્ષેત્રમાં માસ્ટર્સ કહેવાઇએ. દા.ત. સચિન તેન્ડુલકર ધોરણ 12 નાપાસ–ક્રિકેટમાં માસ્ટર–બ્લાસ્ટર તરીકે ઓળખાય છે. જેને ડોક્ટર પત્ની મળેલ છે. આવા તો ઘણા દાખલા સમાજમાં જોવા મળે છે. અભ્યાસની સાથે સાથે જેને જેમાં રસ–રૂચી હોય તેમાં ઉત્તરોત્તર પ્રગતિ કરી માસ્ટરી મેળવી શકે છે.
સામાજિક બંધનો પરિવર્તનશીલ રાખવા. : –
સામાજિક બંધનો ખૂબ જ જરૂરી છે. પરંતું તેમાં સમયાંતરે પરિવર્તનો કરતા રહેવા જોઇએ. સમય અને સંજોગો પ્રમાણે તેને વળાંકો આપવા જોઇએ. આ બંધનો એવા જડ ન હોવા જોઇએ કે જેથી પ્રગતિ ન થઇ શકે.
(અસ્તુ)
