પ્રસ્તાવના
Full text
મને પહેલેથી જ સામાજીક પ્રવૃત્તિઓમાં રસ હોવાને લીધે સ્વાભાવિક જ ભાટીયા સમાજ વિશે જાણવાની ઉત્સુકતા હતી. પરંતું કોઇને ભાટીયા સમાજનો ખ્યાલ ન હતો. અથવા ખ્યાલ હોય તેવી વ્યક્તિઓ સાથે સંપર્ક થયો ન હતો. પરંતું આપણી વંશાવલીનો રેકૉર્ડ રાખનાર બારોટ કાકા ચોપડા લઇને આવે છે તેમાં ભાટીયાઓ વિશેનો ઇતિહાસ છે, તેમ જાણવા મળતું. જેથી મારી જિજ્ઞાસા લાંબા સમય સુધી અધૂરી રહેલી.
ઇ.સ. 1984માં વડીલ બારોટ શ્રી મગનકાકા અમારા ઘેરે પધાર્યા હતા ત્યારે તેઓએ મને જણાવેલ કે આપણે જેસલમેરના રાજા ભૂપતના વંશજો “ક્ષત્રીય ભાટીયા” છીએ. ટુંકો સમય હોવાના કારણે વધુ પ્રશ્નો પૂછી શક્યો નહીં તેનો અફસોસ. પરંતું આપણે જેસલમેરના રાજા ભૂપતના વંશજો “ક્ષત્રીય ભાટીયા” છીએ એટલું સમજી શક્યો. જે આગળ જતાં ઇંતેજારીમાં પરિણમ્યો. તે સમયે મારી માંડવી (કચ્છ) બદલી થઇ હતી.
( હું એક વખત માંડવીથી ઘેરે આવ્યો હતો. અને મારે માંડવી પાછું જવાનું હતું. જવાના બે કલાક બાકી હશે ને બારોટકાકા ઘેરે પધાર્યા હતા. તેઓએ ઇતિહાસ સંભળાવવાનું ચાલુ કર્યું. મને બહુ રસ પડ્યો. સમય ટુંકો હતો જેથી ઉતાવળમાં તેઓ પાસે અમારા વણ નોંધાયેલ સભ્યોનાં નામો નોંધાવ્યા. અને અમારી પેઢીઓનાં નામો તથા ટુંકો ઇતિહાસ બારોટકાકાએ ઝડપથી લખાવી દીધો………. )
માંડવીમાં લક્ષ્મી-નારાયણ મંદિર ( કે જે માંડવીના ભાટીયાઓએ બંધાવેલ) ના પુજારી શ્રી મનહરભાઇ ઓઝા કે જેઓ મારા અંગત સ્નેહી હતા અને જેઓ ઇતિહાસના સારા જાણકાર હોવાના કારણે મેં તેઓને બારોટકાકાએ કહેલ ઇતિહાસ જણાવ્યો. તેઓને “અમે જેસલમેરના વતની છીએ” તેમ કહેવાના કારણે તેઓએ જેસલમેરનો ઇતિહાસ કહ્યો. આ જેસલમેરનો સમગ્ર ઇતિહાસ “કચ્છ કલાધર” નામના પુસ્તકમાં હોવાનું જણાવ્યું. તેઓએ મને આ પુસ્તક બે ભાગમાં આવેલ હોઇ બન્ને ભાગ મને મેળવી આપ્યા. આ પુસ્તકના બન્ને ભાગ વાંચી ગયા પછી પણ ફક્ત “ભટ્ટીવંશ”નો જ ઇતિહાસ મળ્યો. પરંતું “ભાટીયા” વિશે કોઇ સગડ મળ્યા નહિ.
માંડવીમાં મારા બાળકોને મેં જે શાળામાં ભણવા માટે મુક્યા તે શાળા “ભાટીયાવાડી” શાળા હતી. તે શાળામાં ફી લેવાતી હતી. પરંતું મારી પાસે ક્યારેય ફીની માંગણી કરી નથી. દર મહીને ફી ની રસીદ આપવામાં આવતી હતી. મને જણાવવામાં આવ્યું કે તમો “ભાટીયા” હોવાના કારણે તમારા બાળકોની ફી “ભાટીયા ટ્ર્સ્ટ” તરફથી આપવામાં આવે છે,.
માંડવીમાં ઘણા બધા ભાટીયાઓ રહેતા હતા. શ્રી મનહરભાઇ ઓઝાના કારણે હું ત્યાં ઘણા બધા ભાટીયાઓના સંપર્કમાં આવ્યો. પરંતું તેઓ તરફથી પણ કોઇ વિશેષ ઇતિહાસ જાણવા મળ્યો નહીં. મારી જિજ્ઞાસા અધુરી રહી.
૧૯૯૬માં હું જ્યારે અમદાવાદ હતો ત્યારે શ્રી અનુકુમાર ભાટીયાનો પરિચય થયો હતો. તેઓએ મને મુંબઇમાં “અખિલ ભારતીય ભાટીયા ફેડરેશન” ચાલતું હોવાનું જણાવ્યું અને તેના સભ્યપદ માટેનું ફોર્મ તથા પાટણના ભાટીયા સમાજની પુસ્તિકા આપી ગયા હતા. જેના આધારે અમો પાછળથી “અખિલ ભારતીય ભાટીયા ફેડરેશન” ના આજીવન સભ્ય થયેલા છીએ. પરંતું શ્રી અનુકુમાર “ભાટીયાઓ” અંગેનો ઇતિહાસ જાણતા હોવા બાબતે અસંમતિ દર્શાવી..આમ મારા સતત પ્રયત્નો છતાં “ભાટીયા” વિશે કોઇ માહિતી ઉપલબ્ધ થઇ નહીં.
આખરે ઇ.સ.2008માં નિવૃત્તિ પછી આ બાબતે સઘન પ્રયત્નો શરૂ કર્યા. “સંદેશ” વર્તમાનપત્રમાં મહાન લેખક શ્રી ચન્દ્રકાંત બક્ષી લિખિત “સફરનામા” માં “ભાટીયા” વિશેનો લેખ બે વિભાગમાં આવેલ તે બે પૂર્તિઓ મારા સાઢુભાઇ શ્રી સુરેન્દ્રકુમારે સાચવી રાખેલ. જે મને આપેલ. જેમાં સ્પષ્ટ જણાવેલ છે કે ઉત્તર પ્રદેશના “ભટ્ટી”, “ભાટી” અને “ભાટીયા” એક જ રક્તબીજના છે. આ વાંચ્યા બાદ મને શ્રદ્ધા બેઠી કે હવે બારોટકાકાએ જે વિગતો લખાવી છે તેનું સંશોધન આગળ ચલાવી શકીશ. જેથી નવેસરથી અભ્યાસ હાથ ધર્યો. અને જ્વાલા માતાજીની પ્રેરણા અને કૃપાથી હું આગળ સંશોધન કરતો રહ્યો. દરમ્યાન સને 2014 માં મારા ધ્યાન પર આવેલ કે સને 1917 માં એટલે કે આશરે 97 વર્ષ પહેલાં શ્રી ભીમજી કાનજી ટોપરાણીએ બંગાળી ભાષામાંથી તરજુમો કરાવી “યદુવંશી ભાટી અથવા ભાટીયાઓનો ઇતિહાસ” પ્રકાશિત તથા પ્રસિદ્ધ કરેલ. તેની જુની જર્જરિત હાલતમાં મળી આવેલ પ્રત ઉપરથી માંડવી(કચ્છ)ના શ્રી વિનય ભીમસિંહ ટોપરાણીએ સને 2012 માં પુનઃ મુદ્રણ કરાવેલ છે. જેઓનો ટેલીફોન નં. મેળવી તેઓને ફોન કરતાં ખૂબ જ સ્નેહથી તુર્ત જ મને તે પુસ્તિકા મોકલી આપેલ. જેમાંથી વ્યવસાય અંગેનો મુખ્ય આધાર મળી આવેલ. આમ “સત્ય-પ્રકાશની અગત્યની ખૂટતી કડી મળી. જેના ફલસ્વરૂપ “જ્વાલા પરિવાર”ના ભાટીયાઓનો ઇતિહાસ “સત્ય-પ્રકાશ” પૂર્ણ કરી આજે હું આપની સમક્ષ રજુ કરી શક્યો છું.
