શિવ સંદેશ
Religious

કરેલું નિષ્ફળ જતું નથી.

30 July 2020
Opening book…

Full text

કરેલું નિષ્ફળ જતું નથી.

S.S.C. નું પરિણામ આવ્યું. (તે વખતે 11 મા ધોરણને S.S.C. ગણવામાં આવતું.) સંજયનો તેની શાળામાં પહેલો નંબર આવ્યો. નાના ગામમાં જેમ જેમ જેને જેને ખબર પડતી ગઇ તેમ તેમ સંજયને ઘેરે હિતેચ્છુઓ અભિનંદન આપવા આવવા લાગ્યા. (સને 1966ની એક નાના મધ્યમ ગામના ગરીબ પરિવારની વાત છે.) સાંજ સુધી તો તેના ઘેરે ચાહકોનું ટોળુ જામવા લાગ્યું. સિલસિલો એક અઠવાડિયા સુધી ચાલ્યો. કોઇ કહેતું કે તમારે ઘેરે તો દિવો પ્રગટ્યો. તો કોઇ આગળ શું અભ્યાસ કરવો અને ક્યાં અભ્યાસ કરવો તેની સલાહ આપતા. દરેક જણ ખુશી વ્યક્ત કરી છુટા પડતા. સંજયની મમ્મી સુધાબેનનો ખુશીનો પાર હતો. સંજયના પપ્પા સુમનભાઇ તો પોતાના દિકરાને B.S.C. બનાવવાનાં સ્વપ્નો જોવા લાગ્યા. કારણ કે તે વખતે B.S.C. નું ઘણું મહત્વ હતું. પરિણામની રાત્રિએ તો તેઓ ઊંઘી શક્યા નહીં.

આજે સુધાબેનની ખુશીનો પાર હતો. તેઓ જુની યાદોમાં ખોવાઇ ગયા. પોતે મનોમન વિચારી રહ્યા હતા. સંજય માંડ એક વર્ષનો હશે ને તેને શિતળાનો રોગ લાગુ પડ્યો હતો. તે વખતે શિતળા ભયંકર રોગ ગણાતો. દસ દિવસ સુધી તો તેને લઇને આખી ને આખી રાત જાગીને તેની સેવા કરી હતી. લીમડાના પાનાની પથારી કરીને સુવડાવી રાખતા. તે સમય દરમિયાન તેને આંખોનો રોગ પણ લાગુ પડ્યો હતો. માંડ માંડ તેનો જીવ બચ્યો હતો. સંજય પાંચ વર્ષનો થયો ત્યાં સુધીમાં તો તેને અગીયારાસુધીના આંક અને પાંચમા ધોરણ સુધીના પુસ્તકો વાંચતા આવડી ગયા હતા. ગણિતમાં પણ સરવાળા, બાદબાકી, ગુણાકાર, તથા ભાગાકારના દાખલા પણ ચાર અંક સુધીના ગણતાં આવડી ગયા હતા. કારણ કે સંજયના મોટા ભાઇ રશેષભાઇ કે જે તેનાથી ત્રણ વર્ષ મોટા હતા તેમનો બધો અભ્યાસ સંજય પોતે પણ કરવા મંડી પડતો. સુમનભાઇ રશેષને રોજ સાંજે શીખવાડતા તે સંજય પણ હોંસે હોંસે શીખી લેતો. આમ નાનપણથી અભ્યાસ નો પાયો પાકો થઇ ગયો હતો. તેના કારણે હિતેચ્છુ શિક્ષકોની સલાહના કારણે સરકારશ્રીની પરવાનગી લઇને પહેલું તથા બીજું ધોરણ સાથે કર્યું હતું. તે સમયે પાંચમા ધોરણથી હિંદી તથા આઠમા ધોરણથી અંગ્રેજી અભ્યાસક્રમ હતો. તે પણ તેના ધોરણમાં આવતા પહેલાં વાંચતા આવડી ગયા હતા. અભ્યાસની સાથે સાથે ચિત્રકામ, સંગીત તથા વાંચનનો પણ એટલો શોખ હતોતે ત્રીજા ધોરણમાં હતો ત્યારે શાળામાં મહાત્મા ગાંધીજીનું ચિત્ર દોરવા આપ્યું હતું. તે થોડીક વારમાં આબેહૂબ દોર્યું હતું. જેના કારણે તેનો પ્રથમ નંબર આવ્યો હતો. અને  ઇનામમાં મહાત્મા ગાંધીજીનું અમૂલ્ય પુસ્તક સત્યના પ્રયોગોતથા પાટી પેન પેન્સીલ નોટબુક નો સેટ મળ્યો હતો. તેના આવા પ્રદર્શનના કારણે તે શાળાના આચાર્યશ્રી ગાંધી સાહેબનો પુત્ર કે જે તેની સાથે ભણતો હતો તેની સાથે મિત્રતા બંધાઇ ગઇ હતી. આમ ને આમ સાતમા ધોરણ સુધીનો સમય પસાર થઇ ગયો. દરમિયાનમાં ઘણા બધા વિદ્યાર્થીઓ  સાથે મિત્રતા થઇ ગઇ. આઠમા ધોરણથી હાઇસ્કુલમાં પ્રવેશ મેળવવાના કારણે ઘણા બધા મિત્રો છુટા પડી ગયા. ઘણા બધા મિત્રો ગામની જુની હાઇસ્કુલમાં દાખલ થયા. જ્યારે સંજયને બે વર્ષથી ખુલેલ નવી હાઇસ્કુલમાં ત્યાંના આચાર્યશ્રી પાઠક સાહેબના આગ્રહથી દાખલ કર્યો. કારણ કે હાઇસ્કુલમાં તેના મોટાભાઇએ પણ એડમીશન લીધું હતું. હાઇસ્કુલમાં પણ તેનું પ્રદર્શન ઘણું સારું રહ્યું હતું. કોઇ શિક્ષક રજા પર હોય અને બીજા કોઇ શિક્ષકની વ્ય્વસ્થા થઇ હોય તો તે વર્ગમાં સંજયને મોકલવામાં આવતો. “શિક્ષક દિવસ ની ઊજવણીના દિવસે આચાર્ય, શિક્ષકોથી લઇને પટાવાળા સુધીનો તમામ સ્ટાફ વિદ્યાર્થીઓ સંભાળતા. ત્યારે આઠમા ધોરણના સંજયને અગીયારમા ધોરણમાં અંગ્રેજી વ્યાકરણ શીખવવાની જવાબદારી સોંપવામાં આવી હતી.અને આચાર્યશ્રી તથા અંગ્રેજીના શિક્ષક સુપરવીઝન કરવા વર્ગમાં હાજર રહ્યા હતા. સંજયની શિખવવાની પદ્ધતિને ખૂબ બિરદાવી હતી.

સંજય જ્યારે અગીયારમા ધોરણમાં ( તે વખતે આગિયારમું ધોરણ “બૉર્ડ” હતું)આવ્યો ત્યારે તેની કારકિર્દીને ધ્યાનમાં રાખીને ગણિત તથા વિજ્ઞાનના શિક્ષકો શ્રી કે. એલ. જાની સાહેબ, તથા મેંગર સાહેબે સંજયના અભ્યાસ પર વધુ ધ્યાન આપવાના હેતુથી વધારાના અભ્યાસ માટે સંજયને તેઓના ઘેરે બોલાવતા. (તે સમયે ટ્યુશન પ્રથા નહિવત હતી.) સંજયના ઘેરે લાઇટની વ્યવસ્થા નહીં હોવાના કારણે દસમા ધોરણ સુધી ફળીયાના લાઇટના સહારે અભ્યાસ કર્યો હતો. પરંતું અગીયારમા ધોરણમાં તેના મિત્રો તેઓના ઘેરે વાંચવા બોલાવતા હતા. સૌના પ્રયત્નોથી અને સૌના સહકારથી આજે સંજયના પરિણામથી સુધાબેન પોતે ધન્ય થઇ ગયા હોવાની પ્રતિતી થતી હતી. કેમ થાય! સુધાબેને પોતાના બાળકો તથા સુમનભાઇના બે મોટા ભાઇ કે જેમાંથી એક આજીવન કુંવારા હતા તથા બીજા ભાઇની પત્ની ત્રણ નાના બાળકો એક પાંચ વર્ષનું બીજું ત્રણ વર્ષનું તથા ત્રીજી માસની બાળકી મુકીને સ્વર્ગે સીધાવી ગયા હતા. નાની બાળકીને તો સુધાબેને તેમના પોતાના પ્રથમ સંતાનની સાથે સાથે સ્તનપાન કરાવીને મોટી કરી હતી. તે તમામની તમામ જવાબદારીઓ સાથે તમામનો ઉછેર કર્યો હતો. તે સમયે ગામમાં લાઇટ, પાણી કે શૌચાલયની કોઇ સગવડ હતી. પીવાના પાણી માટે તથા કપડાં ધોવા માટે ઘરથી બે કિ.મી. દૂર જવું પડતું હતું. નાહવા તથા અન્ય વપરાશ માટેનું પાણી પણ નજીકના કુવામાંથી ખેંચીને લાવવું પડતું હતું. તે સમય દરમિયાન વાહન વ્યવહાર બહુ ઓછો હતો. જેથી આજુ બાજુના ગામોમાં જવા આવવા વાળા મહેમાનોને ફરજીયાત રોકાવું પડતું હતું. જેથી મહેમાનોની આગતા સ્વાગતા પણ કરવી પડતી હતી. બધું એક સાથે સુધાબેનને યાદ આવી ગયું. યાદો વચ્ચે સંજયની કારકિર્દીને બધી સેવાના કાર્યોના ફળ સ્વરૂપ ભગવાનની મહેરબાની ગણી મનોમન ભગવાનને પ્રણામ કર્યા. અને એહસાસ થયો કે………

કરેલું નિષ્ફળ જતું નથી.”.

સુધાબેન સુમનભાઇની મહેનતને યાદ કરતાં કરતાં ફરીથી વિચારોમાં ખોવાઇ ગયાં. આટલા બહોળા કુટુંબનું ભરણપોષણ કરવા માટે કરવી પડતી સવારથી સાંજ સુધી એક ધારી મહેનત છતાં સુમનભાઇની ના કોઇ ફરિયાદ, ના કોઇ  થાક. ઘેરે આવે એટલે નાહીને જમ્યા બાદ બન્ને પુત્રોને સાથે બેસાડીને આંક પુછે. વાર્તાઓ કહે. બન્ને બાળકોના ઘડતરમાં સુમનભાઇનો સિંહ ફાળો હતો.

સંજયને પરિણામના દિવસે તો હિતેચ્છુઓના અભિનંદન વર્ષાના કારણે કંઇ પણ વિચારવાની તક મળી નહીં. રાત્રે જ્યારે સુવા આડો પડ્યો ત્યારે સુઇ શક્યો નહીં. તેની સફળતાના સહયોગીઓ એક પછી એક પોતાના માનસપટ ઉપર ચિત્રિત થતા ગયા. સાતમા ધોરણ સુધી શાળાના આચાર્યશ્રીનો પુત્ર હસમુખ ગાંધી, રજની શાહ, દિપક ગાંધી, અતુલ જાની, જયશંકર કડિયા, વિષ્ણુભાઇ, કમળાબેન પંચાલ, રજનીકાંત ગોર, આઠમા ધોરણથી હાઇસ્કુલના સહયોગીઓ મંગળદાસ રાણા, બિપીન પરીખ, વિજય પરીખ, મનોજ ચૌહાણ, કાળીદાસ પટેલ, હાથીભાઇ ખાંટ, દલાભાઇ સાંકળભાઇ પટેલ, (જેને DSP કહેતા), જયશંકર પંડ્યા, જીતેંદ્ર પંડ્યા, હરીશ ભટ્ટ, મુકેશ રાવલ, કનકસિંહ પરમાર, પર્વતસિંહ પરમાર, રમણભાઇ હજુરી, ભરત પંડ્યા, કાનજી પટેલ, સોમાભાઇ પટેલ, રમણભાઇ પ્રજાપતી, દિનેશ સુથાર, મણિલાલ પંચાલ, જયશંકર પંચાલ વિગેરે સહાધ્યાયીઓ, સર્વે ઉપરાંત સર્વોપરીહંમેશાં પોતાનાથી એક ધોરણ આગળ રહેતા મોટાભાઇ કે જેઓ SSC નો અભ્યાસ એક વર્ષ અગાઉ પૂર્ણ કર્યો હતો તે ઉપરાંત શિક્ષક ગણના સહયોગીઓ આચાર્યશ્રી પાઠક સાહેબ, શ્રી સુર્યકાંત શુક્લ સાહેબ, શ્રી શાંતિલાલ શાહ સાહેબ, શ્રી નવનીતલાલ દોશી સાહેબ, વિગેરે સર્વેને  એક પછી એક યાદ કરી મનોમન આભાર માનતો રહ્યો. બીજા દિવસે સૌને રૂબરૂ મળીને આભાર માનવાનું નક્કી કર્યું. અસમંજસમાં ક્યારે ઊંઘી ગયો તેનો ખ્યાલ ના રહ્યો.

સંજય SSC માં શાળામાં પ્રથમ નંબરે પાસ થયો. તેની ખુશીમાં ને ખુશીમાં વેકેશન પણ ક્યાં પૂરૂં થઇ ગયું તેનો ખ્યાલ ના રહ્યો. વેકેશનમાં મામાના ઘેરે વધુ જતા. મામાનું ગામ બહુ નાનું એટલે કે ગામડું કહેવાય તેવું ગામ. નાના ગામમાં આમ પણ કુદરતી વાતાવરણ બહુ સરસ હોય. કુદરતી વાતાવરણ હોય. શુદ્ધ પર્યાવરણ હોય. લીલાં છમ ખેતરો હોય. ગામની બહાર નદી હતી. ત્યાં રમવાની તથા ન્હવાની મઝા આવે. દર વર્ષે મામાના ઘેરે જતા જેથી મિત્રતા પણ જામી ગયેલી હોય. મિત્રો સાથે આંબા ઉપરની કેરીઓ ખાવાની મઝા આવે. નાના ગામમાં ભાણાભાઇ એટલે આખા ગામના ભાણાભાઇ. જેના કારણે આંબા ઉપરથી કેરીઓ પાડીએ તો પણ કોઇ વઢે નહીં. પાકી કેરીઓ તો દરેકના ઘેરે ઢગલા ના ઢગલા હોય. જેટલી કેરી ખાવી હોય તેટલી વગર માગ્યે ખાવાની. ભૂખ લાગે તો કોઇના પણ ઘેરે જમી લેવાનું. ચા નાસ્તો પણ ગમે ત્યાં કરી લેવાનો. ભાણાભાઇને પ્રેમથી સૌ આપે. ખૂબ આનંદ આવે. વેકેશનની યાદોને વાગોળતાં વાગોળતાં આગળ ભણવા બાબતે વિચારોએ વળાંક લીધો. હવે શું કરવું?

પિતાજી બહોળા કુટુંબના ભરણ પોષણ માંડ માંડ બે ટાંટીયા સરખા કરતા હતા. તેમાં કૉલેજ નો ખર્ચો કેટલો થશે તેનો અંદાજ  પણ હતો. બીજા કૉલેજ કરતા છોકરાઓના ખર્ચાઓ બાબતે તપાસ કરતાં બહાર ગામના ખર્ચાઓ દરેક વિદ્યાર્થીએ અલગ અલગ જણાવતા. જેની જેવી પરિસ્થિતિ તેવા ખર્ચા. બધામાંથી તારણ કાઢ્યું કે કૉલેજમાં કપડાં, પુસ્તકો, નોટબુકો, ફુલ સ્કેપ ચોપડાઓ, પિતાજીની ઇચ્છા મુજબ BSC કરવાનું હોવાથી પ્રક્ટીકલનાં સાધનો, પ્રેક્ટીકલ નોટબુકો. વિગેરેના ખર્ચા પિતાજીની આવકમાં કંઇ બંધ બેસતા હતા. કૉલેજમાં લાયબ્રેરી હોય તેમાંથી પુસ્તકો વાંચવા મળી શકે તેવું જાણ્યું. સદ નસીબે વર્ષે ગામમાં આર્ટ્સ અંને સાયન્સ કૉલેજ ખુલી. જેથી બહરગામ રહેવા તથા જમવાનો તથા ઇતર ખર્ચાઓ નહીં થવાના  હોવાના કારણે પિતાજીની ઇચ્છા પૂરી થઇ શકશે તેવું મનોમન વિચારી ભગવાનનો પહાડ માન્યો.

કૉલેજ શરૂ થઇ. નવા વાતાવરણમાં મોટા ભાગના નવા નવા વિદ્યાર્થીઓ, નવા નવા પ્રોફેસરો બધું નવું. પહેલા દિવસે તો કુતુહલવશ પસાર કર્યો. થોડા ઘણા જુના મિત્રોએ પણ કૉલેજમાં એડમિશન લીધું. જેના કારણે એકાંત જેવું લાગ્યું. કૉલેજની ઑફિસમાંથી એડમિશન ફૉર્મ લઇને ભર્યું. કપડાં માટે ગામમાં જે વેપારીને ત્યાં ખાતું ચાલતું હતું ત્યાંથી કાપડ લીધું. કાયમના દરજી પાસે સીવવા આપ્યું. નવા ચંપલ લીધા. બધું કેવી રીતે થયું તેવું મનોમન વિચારતો બેઠો હતો. મોટીબેનને પુછ્યું તો કહે તો વર્ષે હિસાબ થાય. ઉધારે લાવ્યા એવી સમજ સાથે ફરી કાંઇ વિચારવા લાગ્યો. બીજે દિવસે કૉલેજમાં ફૉર્મ ભરવાનું હતું. ફૉર્મની સાથે રૂ, 160-00 ફી ભરવાની હતી. કૉલેજની તૈયારીઓ ચાલતી હતી.પરંતું ફી ભરવા બાબતે પિતાજી મુંઝાયેલા લાગતા હતા. મોટાભાઇએ એક વર્ષ પહેલાં SSC કરેલ હોવાથી નોકરી માટે એક વર્ષથી પ્રયત્ન કરવાના કારણે સદ નસીબે એસ.ટી. માં નોકરી મળ્યે એક મહિનો થયો હતો. જેથી પગાર આવવાની વાર હતી. આજ સુધી કોઇની પાસે પૈસા લીધેલા નહીં. જેથી કોઇની પાસે માંગવા જતા અચકાતા હતા તેવું સંજયના ધ્યાન પર આવ્યા વિના રહ્યું નહીં. તેણે પપ્પાને ચિંતા નહીં કરવા જણાવી એક રસ્તો બતાવ્યો. સંજયના માસીનો છોકરો પૈસે ટકે સુખી હતા. જેથી તેમને વાત કરી જોવા માટે કહ્યું. કચવાતા મને સુમનભાઇ જવા તૈયાર થયા. અને સંજયના આશ્ચર્ય વચ્ચે બે ધક્કા ખાઇને સુમનભાઇ રૂ. 210-00 લઇ આવ્યા. ત્યારે સંજયને પોતે બતાવેલ રસ્તો કામિયાબ થયો હોવા બાબતે ગૌરવ અનુભવતો હતો. મોટાભાઇ નોકરી લાગેલ હોવાના કારણે પગાર આવવાનો હોવાથી પૈસા મળ્યા હશે તેવું માની લીધું હતું. પરંતું પાછળથી ખબર પડી કે પિતાજી બે ધક્કા ખાધા પછી પૈસા કેવી રીતે લઇ આવ્યા. માસીના દિકરાએ કહ્યું હતું કે મારી પૈસા નથી. હું બીજેથી વ્યાજે લાવી આપું. પરંતું સોનાની રકમ વિના પૈસા આપશે નહીં. જેથી સુમનભાઇ સુધાબેનનો ત્રણ તોલાનો અછોડો આપીને ફીના રૂ– 160 તથા રૂ 50 વધારાના જરૂર પડશે માનીને રૂ– 210-00 લઇ આવ્યા હતા. એક વર્ષ સુધી પૈસા પાછા આપી શકેલ નહીં. કારણ કે મોટાભાઇની નોકરી વડોદરા લાગી હતી. એક રૂમમાં ત્રણ સહ કર્મચારીઓ સાથે રહેતા હોવાથી રહેવાનો તથા જમવાનો ખર્ચ ત્રણ જણમાં વહેંચાઇ જતો. બાકીના પૈસા ઘેરે આવીને આપતા જે ટૂંકા પગારમાંથી ઓછી રકમ આવતા તે સંજયના ધ્યાનમાં આવતું. પરંતું કૉલેજમાં અવાર નવાર કંઇક ને કંઇક ખર્ચ આવી જતો. જેથી લીધેલા પૈસા પરત આપી શકાયેલ નહીં. એક વર્ષ પછી જ્યારે વ્યાજ સહિત પૈસા પરત આપ્યા ત્યારે મારે જ્યાં મુક્યો છે ત્યાંથી પરત લાવવો પડશે” કહી અછોડો બે દિવસ પછી પરત આપેલ જે સુધાબેનના માથેથી આવેલ નહીં. (ટૂંકો થઈ ગયેલ).  જે સુધાબેન  ક્યારેય પહેરી શકેલ નહીં. સંજય વખતે ખૂબ દુઃખી થઇ ગયો હતો. અને મનોમન ક્યારેય પૈસા વ્યાજે લાવવા નહીં તેવું નક્કી કર્યું. કારણ કે કાપડ વાળા વેપારેને ત્યાં પણ બેસતા વર્ષના દિવસે પૈસા ફરજીયાત જમા કરાવવા જવું પડતું. જે રકમ ક્યાં જમા કરવામાં આવતા તે ખબર પડતી નહીં કારણકે જ્યારે હિસાબ કરવા જાય ત્યારે એક ની એક રકમ બાકી બોલતી. સંજય સુમનભાઇ સાથે જતો ત્યારે બધું ધ્યાનમાં રાખતો. દરજીને ત્યાં પણ વર્ષે હિસાબ થતો તે શું હિસાબ કરે તે ખબર પડે નહીં. જે રકમ માંગે તે આપી દેવામાં આવતી. પરંતું તે રકમ બહુ નાની રહેતી. અનાજ કરીયાણું ઉધારે લાવતા નહીં. જેમ જેમ જરૂર પડતી  તે પ્રમાણે લાવતા. ઘઊં ચોખા આખા વર્ષની જરૂરિયાત પ્રમાણે સામટા ભરી દેવામાં આવતા જેથી અન્ય જરૂરિયાતની સામગ્રી રોકડેથી લાવી શકાતી હતી. બધું સંજય પોતે નિરિક્ષણ કરતો હોવાથી મનોમન નક્કી કર્યું કે તે જ્યારે કમાતો થશે ત્યારે કોઇપણ જાતનો ઉધારો નહીં કરે કે વ્યાજે પૈસા નહીં લે. કારણ કે ઉધારે કે વ્યાજે લેવામાં આવે તેમાં મજબૂરીના કારણે શોષણ અને છેતરામણી હોય છે.

સંજયનો કૉલેજકાળ શરૂ થયો. કોલેજમાં અભ્યાસની સાથે સાથે ઈતર પ્રવૃત્તિઓ જેવી કે કોલેજની ચૂંટણીઓ, રમત ગમત, કેન્ટીન, નાટકો, વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો એમ કરતાં કોલેજકાળ પૂરો થઈ ગયો.

સંજયની કૉલેજ પૂરી થયા પછી તે જેમ બને તેમ જલ્દીથી નોકરી મેળવવા માટે બહુ આગ્રહી હતો. પરંતુ અફસોસ, ગરીબી અહીંયા પણ અગ્રેસર  હોય છે. જ્યાં પણ ઇન્ટરવ્યુ આપવા જવાનું થાય ત્યાં તે જમાનામાં સાધારણ ઓળખાણ જરૂરી રહેતી. આવી કોઈ ઓળખાણ નહીં હોવાના કારણે  તેના  તમામ પ્રયત્નો નિષ્ફળ ગયા. આખરે તે જમાનામાં ટાયપિસ્ટની માંગ વધારે હતી. જેથી સંજયે મોટાભાઈને ત્યાં રહીને અંગ્રેજી તથા ગુજરાતી ટાઈપ ક્લાસ જોઇન કર્યા. ટાઈપમાં નિપૂણતા મેળવી. મોટાભાઈનાં સાથ અને સહરકારથી સંજય આટલે સુધી પહોંચ્યો. મનોમન મોટાભાઈનો આભાર માનતો.

એક વર્ષ પછી રેવન્યુ ડિપાર્ટમેંટમાં ટાયપિસ્ટ કમ ક્લાર્કની જાહેરાત બહાર પડી. છ મહિના પછી ટેસ્ટ લેવાયો. ટેસ્ટમાં ઉત્તીર્ણ થવાથી મૌખિક ઇન્ટરવ્યુ લેવામાં આવ્યું. આખરે તેમાં પાસ થઈ નોકરીનો ઑર્ડર મળ્યો. એક બે વાર સરપ્લસ થઈને કાયમી નોકરી થઈ ગઈ.

સંજયને મોટાભાઇ તથા મોટી બેન પરણેલા હતા. તેનાથી નાના બે ભાઈઓ તથા એક બહેન ભણતા હતા. પરંતુ તેઓ એવા વાતાવરણમાં રહેતા હતા જ્યાં શિક્ષણનું મહત્વ બહુ ન હતું. જો કે સંજયનો પણ એ જ વાતાવરણમાં ઉછેર થયો હતો, પરંતુ આગળ જણાવ્યું તેમ તેણે ઘરનું તથા વાતાવરણનો અનુભવ કર્યો હતો. તેથી જ નાના ભાઈ બેનને ભણાવવાનો નિર્ણય કર્યો.  સંજય પોતે એવા સંજોગોમાંથી પસાર થયો હતો કે તેણે નાના ભાઈ બેનની જવાબદારી સ્વીકારી લીધી. અને તેમણે ભણાવવા પોતાની સાથે રાખી ભણાવ્યા. પરંતુ અફસોસ કે બહુ ભણી શક્યા નહીં. આજે પણ તેનો વસવસો છે. છતાં તેઓમાં માનસિક પરીવર્તન જરૂર આવ્યું. તેઓ સૌને પરણાવ્યા. આજે તેઓ સ્વતંત્ર રીતે પોતાનો સંસાર ચલાવે છે. માં બાપની પણ છેલ્લે સુધી સેવા કરી, અને તેઓના આશીર્વાદ મેળવ્યા. 

આજે સંજયને એક દીકરી છે તે ખૂબ જ સુખી છે. તથા બે દીકરાઓ છે. સૌ પોતપોતાની રીતે સુખી છે. સૌના ઘેરે બંગલા, ગાડી તથા આધુનિક રહેણી કરણી ભોગવે છે.  આ બધુ જોઈને સંજય ભગવાનનો પહાડ માને છે અને કહે છે,

“કરેલું નિષ્ફળ જતું નથી”.

                                                                                                 શિવ ભાટિયા