શિવ સંદેશ
Religious

કરેલું નિષ્ફળ જતું નથી. ભાગ-૨

15 September 2020
Opening book…

Full text

કરેલું નિષ્ફળ જતું નથી. ભાગ-૨

આપણે ભાગ – ૧ માં જોયું કે સંજયના ત્રણ બાળકો હતા. ત્રણે બાળકો વચ્ચે બે બે વર્ષનો ગાળો હતો. તે  પૈકી મોટી દીકરી કામિની, ત્યાર બાદ વૈભવ અને ત્યાર બાદ સૌરભ. કામિની તથા સૌરભ   નાનપણથી બિલકુલ  સ્વસ્થ હતા. જો કે સૌરભનો એકવડીઓ બાંધો હતો, પરંતુ તંદુરસ્ત્ત  હતો. પરંતું વૈભવ જ્યારે દોઢ વર્ષનો થયો ત્યારે અચાનક બીમાર પડી ગયો. શરીર સુકાતું ગયું.  લોકલ ડૉક્ટરોની  દવા કરવા  છતાં લાંબા સમય સુધી કાંઈ ફેરફાર જણાતો ન હતો.  શહેરના ત્રણ ચાર મોટા સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરોની ટ્રીટમેન્ટ લીધી. છતાં કોઈ ફેર જણાયો નહીં. આ બાબતની જાણ સંજયના ઉપરી અધિકારીને હતી. કારણકે વૈભવની બીમારીને કારણે અવાર નવાર ઓફીસમાંથી રજા લેવી પડતી હતી. આખરે સંજયના ઉપરી અધિકારીએ તેઓના એક અનુભવી ફેમિલી  ડૉક્ટરનો સંપર્ક કરવાની સલાહ આપી. તેઓનો સંપર્ક કરતાં તેઓએ નિદાન કરી ફક્ત ત્રણ દિવસની ત્રણ ટેબલેટ આપી બાદ સ્વસ્થ થઈ ગયો. ત્રણ વર્ષની બિમારી ત્રણ દિવસની ત્રણ ટેબલેટથી મટી ગઈ. ત્યારે સંજયને એટલો એહસાસ થયો કે ડૉક્ટર નાના હોય કે મોટા સ્પેસિયાલિસ્ટ હોય, પરંતું રોગનું નિદાન અગત્યનું છે.  આમ વૈભવની લાંબા સમયની બીમારીના કારણે બાકીના બે બાળકો પર જોઈએ તેટલું ધ્યાન આપી શક્યા નહીં. છતાં બાકીના બંને સ્વસ્થ હતા.  

સંજયની અવાર નવાર બદલી થતી હોવાના કારણે ત્રણે બાળકોને જુદા જુદા સ્થળોએ ઉછેર તથા અભ્યાસ કરવો પડ્યો. છતાં અભ્યાસમાં સારું પર્ફોર્મન્સ, સાથે સાથે ઈતર પ્રવૃત્તિમાં પણ સારું પ્રદર્શન કરતાં રહ્યા.  આખરે કામિની એસ.એસ.સી.માં આવી ત્યારે બાળકોના હિતને ધ્યાનમાં રાખીને એક જગ્યાએ સ્થિર થવાનો અગત્યનો નિર્ણય લીધો. જ્યાં કામિની બારમાં સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યો. બારમું ધોરણ પૂરું થતાની સાથે જ કામિની માટે નોકરી કરતા કાર્તિકનું સગાઈ માટે માંગુ આવ્યું. પહેલાં મોટાભાગે ૧૮ વર્ષ પૂરા થતાં જ દીકરીના લગ્ન કરી દેવામાં આવતાં. કાર્તિકનું માગું આવતાં સ્નેહીજનોએ સંમતિ આપતાં સગાઈ કરી દેવામાં આવી. અને ટૂંક સમયમાં લગ્ન પણ લઈ લેવામાં આવ્યા. જો કે કામિનીને આગળ અભ્યાસ કરવો હતો. પરંતું સૌ સ્નેહીજનોના આગ્રહના કારણે અભ્યાસ ન કરી શકી તેનો તેને આજે પણ અફસોસ છે. અને તેના પિતા સંજયને આજે પણ આ બાબતે અફસોસ વ્યક્ત કરે છે.

કામિનીના લગ્ન થયા ત્યારે તેની ત્રણ નણંદોના લગ્ન થઈ ગયેલા હતા. આમ હવે કામિનીને તેના સાસુ-સસરાની જવાબદારી હતી. તેની સાસુ કૈલાસબેન સરકારી સ્કુલમાં નોકરી કરતાં હતા. આમ નાનું કુટુંબ હોવાના કારણે બહુ જવાબદારી જેવુ ન હતું, જેથી કામિનીને કાર્તિક સાથે નોકરીના સ્થળે મોકલી દેવામાં આવી. દરમિયાનમાં કામિનીને બે દીકરા અવતર્યા. ત્યારબાદ ટૂંકી માંદગીના કારણે તેના સસરા નું અવસાન થયું. થોડા સમયમાં તેના સાસુ નિવૃત્ત થયા. હવે તેના સાસુ એકલા હોવાના કારણે કાર્તિકે તેમની સાથે રહેવા લઈ જવાનો આગ્રહ રાખ્યો.     

કૈલાસબેનને છેલ્લા પંદર વર્ષથી ડાયાબિટીસ હતો. અને છેલ્લા પાંચ વર્ષથી ધીમે ધીમે ડાયાબિટીસની અસર વધતી ગઈ હતી. જે નિવૃત્તિ પછી તેથી પણ વધી ગઈ. અને હવે તેઓની સતત કાળજી રાખવી પડતી હતી. વિશેષ કાળજીના કારણે ત્રણ  વર્ષ સુધી તબિયત સ્થિર રહી. ત્રણ વર્ષ બાદ ધીમે ધીમે ડાયાબિટીસ કંટ્રોલ બહાર જવા માંડ્યો. હવે ઇન્સ્યુલિનના ઈંજેક્સન ચાલુ કરવામાં આવ્યા. એક વર્ષ સુધી આ સારવાર ચાલી. જેના કારણે રાત-દિવસ કાળજી રાખવી પડતી હતી. હવે એથી વધીને ડાયાલીસીસના સ્ટેજ પર આવી ગયા. જેના કારણે અવાર નવાર પંદર પંદર દિવસે હોસ્પિટલાઈઝ કરવા પડતાં. કાર્તિકને નોકરીની સાથે સાથે હૉસ્પિટલની પણ જવાબદારી નિભાવવી પડતી. નોકરી શિફ્ટ પ્રમાણે હોવાના કારણે શિફ્ટ ચેન્જ કરાવી કરાવીને કૈલાસબેનની સારવાર કરતા. કાયમ આવી વ્યવસ્થા ન થતી ત્યારે કામિની પણ સારવારમાં હોસ્પીટલમાં જોડાતી. બાકીના દિવસોમાં કૈલાસબેનની ઘેરે પણ બહુ જ કાળજી રાખવી પડતી. સતત બિમારીના કારણે દિવસ કરતાં રાત્રે વધુ કાળજી રાખવી પડતી. આમ દિવસ રાત સતત કાળજી રાખવી પડતી હોવાના કારણે તથા બાળકોની સારસંભાળના કારણે સતત ઉજાગરા થતા. તથા દિવસે પણ આરામ મળતો નહીં. પાંચથી છ  વર્ષની આવી સારવારના કારણે  હવે કામિની તથા કાર્તિક આ પરિસ્થિતિ થી ટેવાઇ ગયા હતા. આખરે દોઢ વર્ષના ડાયાલીસીસ બાદ કૈલાસબેન લાંબી સફરે ચાલ્યા ગયા. જતાં જતાં કાર્તિક તથા કામિનીને ઘણા બધા આશીર્વાદ આપતાં ગયા. કૈલાસબેનની તમામ વિધિ પતાવી કાર્તિકે ફરીથી નિયમિત નોકરી ચાલુ કરી. કામિનીએ બાળકોની દેખરેખ રાખવામાં તથા તેઓના અભ્યાસમાં ધ્યાન પરોવી દીધું.

કૈલાસબેનના આશીર્વાદથી હવે કાર્તિકને નોકરીમાં બઢતી મળી. તથા ઉત્તરોત્તર પ્રગતિ થતી રહી. તેની નિષ્ઠા પૂર્વકની નોકરી દરમિયાન  કંપનીને ફાયદા થાય તેવા સૂચનો કરી કંપનીને ઘણા બધા ફાયદાઓ કરાવી આપ્યા, જેના કારણે તેમને ઘણા બધા પ્રોત્સાહિત ઇનામો તથા શિલ્ડ એનાયત થયા.

બીજી બાજુ કામિનીની બાળકો પ્રત્યેની વિશેષ કાળજીના કારણે બાળકો અભ્યાસની સાથે સાથે ઈતર પ્રવૃત્તિઓમાં વિશેષ યોગદાન પ્રદાન કરતાં રહ્યા. આજે મોટો પુત્ર એન્જીનિયરીંગના છેલ્લા સેમિસ્ટરમાં છે. બીજો પુત્ર એસ.એસ.સી.માં છે. તેઓને મોટી સિટીમાં એક ટેનામેંટ તથા એક ફ્લેટ છે. કાર તથા બીજી સુખ સગવડો છે અને સુખી સંસાર છે. આને કામિની તથા કાર્તિક તેઓના માં બાપના આશીર્વાદ  માને છે. અને કહે છે —–

“કરેલું ક્યારેય નિષ્ફળ જતું નથી.