શિવ સંદેશ
Social Awareness

આપણને તો સાચું કહેવા જોઇએ

19 July 2020
Opening book…

Full text

આપણને તો સાચું કહેવા જોઇએ

ઘર હોય કે ઓફિસ, આપણને સામેવાળાને સંભળાવી દેવાનું શૂરાતન ચડી જતું હોય છે. સામેવાળા પર આની કેવી અસર થાશે, એ વાત તો દૂર રહી પણ આપણા વ્યક્તિત્વની કેવી છાપ પડશે, એનો વિચાર પણ આપણે કર્યા વિના સંભળાવી દેવા માટે તલપાપડ હોઈએ છીએ. સામેવાળાને સંભળાવી દેવાથી આપણને શું પ્રાપ્ત થાય છે, એનો કદી વિચાર કર્યો છે, ખરો?

આપણે જો એમ માનતા હોઈએ કે સંભળાવી દેવાથી સામેવાળી વ્યક્તિને સત્યનો ખ્યાલ આવી જશે, તો આપણે બહુ મોટા ભ્રમમાં રહીએ છીએ, એટલું નક્કી છે. કારણ, સામેવાળાને આપણે ધારતા હોઈએ છીએ, તેના કરતાં તે વધારે સમજું હોય છે! બધાને બધી ખબર હોય છે, બધી સમજ પડતી હોય છે અને કદાચ સમજ ન પણ પડતી હોય તો આપણે સંભળાવી દેવાથી તેમનામાં સમજનાં ઝાડ ઊગી જતાં નથી. આપણે જો ખરેખર કોઈને સમજાવવા માગતા હોઈએ, સાચી વાત કે મુદ્દા અંગે તેને કન્વીન્સ કરવા માગતા હોઈએ તો આપણે તેને શાંતિથી બેસાડીને તેનું સન્માન જળવાય, તેના દૃષ્ટિકોણને પણ ધ્યાને લેવાય એ રીતે વાત કરીને આપણને જે યોગ્ય લાગતું હોય તેની તરફેણમાં તર્ક રજૂ કરવા જોઈએ. “આ હું કહું છું, એટલે સાચું જ અને એ તમારે માની લેવાનું જ છે”, એવું વલણ રાખવામાં આવે તો તે બૂમરેંગ થતું હોય છે. આવા વલણ સાથે જ્યારે વાત કરવામાં આવે ત્યારે તમારી વાત કદાચ કોઈ સાંભળી પણ લે પછી તે ભાગ્યે જ તેને ગંભીરતાથી લેતા હોય છે.

આપણા સંભળાવી દેવાના શૂરાતનમાં સૌથી વધારે બળ આપણને એ વાતે મળતું હોય છે કે આપણે સાચા છીએ તો સાચી વાત શા માટે ન કરીએ? પણ સાવધાન….સાચી વાત સારી રીતે, શાંતિથી નહીં કહેવાનું કોઈ લોજિક ખરું? આપણને જ્યારે બેચાર જણા એવું કહી દે કે તમારી વાત બિલકુલ સાચી છે, આવું તો ન જ ચાલે, એટલે આપણને સાચી વાત ડંકે કી ચોટ પર કહેવાનો જાણે પરવાનો મળી જતો હોય છે. એમાંય સાચું તો કડવું લાગે, એ આપણી માન્યતાને કારણે કડવાશ પેદા થાય, એની પણ આપણે પરવા કરતા હોતા નથી. સત્યની સાથે જો તામસિક વૃત્તિઓ ભળે તો સત્ય પણ પ્રદૂષિત થઈ જતું હોય છે.

આપણે સાચા છીએ, એટલે આપણને ખોટા લાગતા માણસો પર આક્રમણ કરી દેવામાં જરાય શાણપણ નથી. સાચી વાત પણ સારી રીતે જ કહેવાવી જોઈએ. દૂધ, મધ કે ઘી જેવી સાત્ત્વિક વસ્તુ પણ જો અખાદ્ય પદાર્થો સાથે લેવામાં આવે તો તેના ગુણ મરી પરવારતા હોય છે. આમ, સાચી વાત પણ ખરાબ રીતે કહેવાથી તેની શુદ્ધતા જોખમાતી હોય છે, તેનું સત્ત્વ ખોવાઈ જતું હોય છે. સાચી વાત કહેવાની હોય કે સમજાવવાની હોય, સંભળાવવા”ની ન હોય!